પોતાના જ મુસ્લિમ ભાઇઓ અને બહેનો ઉપર ધર્મના નામે ત્રાસવરસાવતા અફઘાનિસ્તાનના ક્રૂર તાલિબાનો
આ તે કેવો ધર્મ?પેગમ્બરે શું આ શીખવ્યું છે?પોતાના જ ભાઇઓને ત્રાસ આપવાનો?પોતાની જ બહેનો- પત્ની- માતાને ઘેટાંબકરાંની જેમ રાખે છે અને તાલિબાન ખાવિંદ પોતાની જ બીબીના નાક-કાન કાપીને ક્રૂરતા વર્તાવે છે
આજનું અફઘાનિસ્તાન એટલે આપણા મહાભારત અને એ પૂર્વના સમયનું ગાંધાર. પાંડવોના કાકા અને કૌરવોના પિતા અંધ ઘૃતરાષ્ટ્રના લગ્ન જેમના સાથે થએલા એ સતિ ગાંધારી આ જ ગાંધારના રાજકુંવરી.ગાંધારનો અપભ્રંશ એટલે આજનું કંધહાર જ્યાં ભાજપના વડાપ્રધાન બાજપેયી અને ગૃહપ્રધાન આડવાણીના કહેવાથી ભાજપના વિદેશપ્રધાન જશવંતસિંહ ભયંકર આતંકવાદીઓને વળાવવા ગયેલા અને આપણા રાષ્ટ્રનું નાક કપાવેલું.એને અડીને આવેલા કાઝીકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તાઝીકિસ્તાન વગેરે રશિયાની એડી નીચે ૪૦-૫૦ વર્ષ સુધી ચગદાયેલા રહેલા દેશો, પામીરની પર્વતમાળા વગેરે પણ એ જમાનામાં ગાંધારનો જ ભાગ હતા જે દક્ષિણ ગાંધાર તરીકે ઓળખાતો.એ અફઘાનિસ્તાનમાં બૌઘ્ધની દુનિયામાં મોટામાં મોટી ઊભી મૂર્તિ હતી જેને અફઘાનીઓ પોતાના ગૌરવની જેમ સાચવતા અને યુનોએ એને ‘‘વર્લ્ડ હેરીટેજ’’નો દરજ્જો પણ આપેલો.એ અફઘાનિસ્તાનને કબજે કરવા સામ્યવાદી રશિયાએ નવ વર્ષ સુધી ટેન્કો, રોકેટો, મિસાઇલ્સો વગેરેથી હુમલો કરેલો પણ છેવટે રશિયાએ હારીને પીછેહઠ કરવી પડી.એ જંગમાંથી તાલિબાન નામના ભયાનક આતંકવાદીઓ પેદા થયા તેમણે અમેરિકા ઉપર હુમલો કરીને અમેરિકા સહિત આખી દુનિયાને ઘૂ્રજાવી દીધેલી જેના પ્રત્યાઘાતરૂપે અમેરિકાએ અફઘાનિસ્તાન ઉપર હુમલો કરીને અફઘાનિસ્તાન ઉપર વિજય મેળવેલો અને તાલિબાનોને ખદેડી મૂકેલા.એ તાલિબાનો અત્યારે ફરી સક્રિય થઇ ગયા છે અને પોતાના જ ધર્મભાઇઓ ઉપર આતંકવાદ ચલાવવા સાથે પાકિસ્તાનમાં પણ આતંકવાદ ફેલાવી રહ્યા છે.તાલિબાનોનો એ આતંકવાદ ધર્મ, અલ્લાહ અને પેગંબરના નામે ફેલાયેલો છે. તેઓ સમાજ અને દુનિયાને પેગંબરના જમાનામાં જીવાડવા માંગે છે એટલે અત્યારની સુખસુવિધાઓ અને શોધો સામે એમને વાંધો છે એટલે તેઓ ટી.વી., સંગીત, ફિલ્મ જેવા બધા જ આઘુનિક સાધનો વાપરવાનું બંધ કરાવે છે પણ ત્રાસ કે આતંક વરસાવવા તેઓ રોકેટ, મિસાઇલ્સ, ટેન્કો જેવા અદ્યતન સાધનો વાપરે છે! એટલે કે ધર્મ કે પેગંબરના નામે તેઓ ડિંડક જ ચલાવે છે.આ તાલિબાની અફઘાનીઓ સ્ત્રી, ઔરત, મહિલા, માતા-બહેન- પત્નીને ઘેટા બકરાં જ સમજે છે. આ તાલિબાનો પોતાના સંતાનો, દિકરાઓને પણ વિનિમયનું સાધન માને છે. પોતાનું કરજ ચુકવવા તેઓ સંતાનોને ગુલામ તરીકે વેચે પણ છે.જેઓ ગરીબ છે એવા અફઘાનોને ખેતી કરવા (ત્યાં મોટા ભાગે અફીણની ખેતી ઉપરાંત ખજુર, બદામ, પીસ્તા, અખરોટ વગેરેની ખેતી થાય છે.) કરજ કરવું પડે છે અને પછી કોઇ કારણસર તેઓ કરજ ચુકવી શકે નહીં તો તેઓ પોતાની ૬-૭ કે ૧૦-૧૨ વર્ષની દિકરી કે દિકરાને વેચી દે છે. એને પછી પેલો ધનાઢ્ય વ્યક્તિ પોતાની મૂડી તરીકે વાપરે છે અને પોતાના ઘર-બહારના કામ કરવા એક ગુલામ મળી જાય છે.કોઇ ચોરી કરતો પકડાય તો તાલિબાનો ક્યારેક એના હાથ પગ કાપી નાંખે છે અથવા એને ફાંસીએ લટકાવે છે. એવી જ રીતે કોઇનાથી કોઇનું ખૂન થઇ જાય અથવા ખૂન કરે તો એના બે સંતાનોને જેનું ખૂન થયું હોય એના કુટુંબને સોંપી દેવા પડે છે અથવા ખૂનીને ફાંસીએ લટકાવવામાં આવે છે.અત્યારે અફઘાનિસ્તાનમાં અમેરિકાના કઠપુતળી જેવા કરજાઇ સત્તામાં છે. તેઓ હમણાં જ ભારત આવી ગયા હતા. અફઘાન લશ્કર પણ ત્યાં પથરાયેલું છે પરંતુ તાલિબાનો ત્રણેક વર્ષથી માથું ઊંચકવા લાગ્યા છે.આ તાલિબાનોના અત્યાચારો, ક્રૂરતા વગેરેનું વર્ણન કરતું બયાન આયશા નામની એક અફઘાન યુવતિએ કર્યું છે જેમાં એ કહે છે કે... એનો ખાવિંદ આતંકવાદી અત્યાચારી તાલિબાન હતો અને એને અને એની નાની બહેનને એ ઘેટાંબકરાંની જેમ પશુઓ રાખવાના વાડામાં રાખવામાં આવતા હતા. એમને પશુઓની દેખભાળ રાખવા સાથે ઘરનું કામકાજ પણ કરવું પડતું. એ તો ઠીક, એનો એમને વાંધો નહોતો પણ એના સસરા, જેઠ, દિયર વગેરે એ બન્ને બહેનોને લાતો અને ધુમ્મા મારીને યાતના આપતા હતા. એ અત્યાચારો બન્ને બહેનોની રોજિંદી જિંદગી બની ગયા હતા. એ બહેનોના રડવાની કે કાકુલિદીની એમની ઉપર કશી અસર થતી નહીં.આયેશા એ રાક્ષસોના અત્યાચારો વર્ષો સુધી સહન કરતી રહી પણ છેવટે ઘેટાં બકરાંના એ વાડામાંથી લાગ જોઈને છટકીને ભાગી ગઈ. તાલિબાનોના અત્યાચારોથી એ એટલી બધી ત્રાસી ગયેલી કે એણે પોતાની બહેનનો વિચાર પણ ન કર્યો ! એના ભાગી જવાથી એની બહેન ઉપર કેવો સીતમ તાલિબાનો ગુજારશે એ પણ એણે ન વિચાર્યું. લપાતીછુપાતી એ કોઈ દયાવાનને ત્યાં પહોંચી ગઈ જ્યાં એને આશરો મળ્યો.એ વાતને હજી છ સાત દિવસ થયા હશે અને એક રાત્રે એનો આતંકવાદી રાક્ષસ પતિ એની સામે આવી ગયો. આયેશાને એ ક્રૂરતાપૂર્વક મારતો મારતો કોઈ નિર્જન પહાડ ઉપર લઈ ગયો. એની સાથે એના પતિનો ભાઈ પણ હતો. ઉપર પહોંચીને એના પતિ અને ભાઈએ લોહીના આંસુ સારતી અને દયાની યાચના કરતી એ આયેશાને પોતાના પગ અને હાથ વચ્ચે જકડીને પેલા ક્રૂર પતિએ ઘરેથી ભાગી જવાની સજા બદલ એક ધારદાર ચપ્પુથી પોતાની જ પત્નીનું નાક અને કાન કાપી નાંખ્યા. એનો આતંકવાદી પતિ એ વખતે બોલતો હતો કે, ‘‘તેં અમારા ઘરેથી ભાગી જઈને અમારૂં નાક કપાવ્યું છે એની કિંમત હવે તારૂં નાક અને કાન બંન્ને કાપીને હું લઈશ.’’આયેશાનું નાક કાપી નાંખ્યા પછી આયેશા બેભાન થઈ ગઈ હતી. આયેશા એ રીતે કલાકો સુધી બેભાન પડી રહી અને એના નાક અને કાનમાંથી લોહી વહ્યા કરેલું. એ નિર્જન સ્થળ ઉપર એની મદદ કરનાર કોઈ નહોતું. એ ભાનમાં આવી ત્યારે એને એના નાક કાન કપાયાની યાદ આવી અને એનું શરીર કોઈ અજ્ઞાત ભયથી ઘૂ્રજવા લાગ્યું. એણે એની આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ એને કશું દેખાતું નહોતું.પોતાનું દુઃખ અને પીડા ભૂલીને આયેશાએ હિંમત એકઠી કરીને આંખો સાફ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે કાન-નાકમાંથી નીકળતું લોહી આંખોમાં ભરાઈ ગયેલું. એટલે એ કશું જોઈ શકતી નહોતી. એ વખતે એને બીજી કશી વાત યાદ આવતી નહોતી. પણ એટલું એ સમજી ગઈ હતી કે એ મરી નથી પણ જીવતી છે. એ ત્યાંથી માંડ માંડ ઊભી થઈ અને પડતી આખડતી એ પહાડ ઉફરથી નીચે ઉતરવા લાગી.આયેશા જીવતી લાશ બની ગઈ હતી. તો પણ એ મરેલી જીવતી અવસ્થામાં ઓરૂજગાન નામના જિલ્લાના એક ગામની સુમસામ સડક ઉપર આવી. ત્યાં એ લથડતી જતી હતી એવામાં કેટલાક અમેરિકન સામાજિક કાર્યકરોની નજરે એ પડી. એમણે એની પ્રારંભિક મલમપટ્ટી કરીને સારવાર આપી. એ પછી એને અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં અનાથ અફઘાન મહિલાઓનો શિબિર છે ત્યાં પહોંચાડી દીધી.અફઘાનિસ્તાનમાં તાલિબાન આતંકવાદીઓના અત્યાચારોની વાતો, સમાચારો તો વર્ષોથી સતત આવ્યા જ કર્યા છે. ટી.વી.ની ડીસ્કવરી ચેનલ, હિસ્ટ્રી ચેનલ અને નેશનલ જ્યોગ્રોફીક ચેનલ અવારનવાર તાલિબાનોના અત્યાચારો બતાવતા હોય છે. અમેરિકા, યુરોપના અખબારોમાં પણ એ આવે છે. પરંતુ આ તો જેણે તાલિબાની અત્યાચારો સહન કર્યા છે એવી મહિલાએ પોતાના મુખે કહેલી વાત છે.શિબિરમાં પહોંચ્યા પછી ત્યાંના સુરક્ષિત વાતાવરણમાં એને લાગ્યું કે એ સ્થળ ઉપર એનો આતંકવાદી પતિ કે તાલિબાન પહોંચી શકે તેમ નથી. ત્યાં એ ભરતકામ શીખી. અમેરિકાના ‘‘ટાઈમ’’ સાપ્તાહિકના રિપોર્ટર અને ફોટોગ્રાફર શિબિરમાં ગયા અને આયેશાની મુલાકાત થઈ. એમનો અહેવાલ અને ફોટો ‘‘ટાઈમ’’માં આવતા દુનિયા આખીમાં અરેરાટી સાથે હાહાકાર મચી ગયો. કેટલાંક દયાળુ માણસોએ આયેશાના નાક-કાનની પ્લાસ્ટીક સર્જરી પણ કરાવી આપી. એ ત્યાંથી અમેરિકા પહોંચી ગઈ જ્યાં એની આગળની સારવાર ચાલે છે.અફઘાનિસ્તાનમાં આયેશા જેવી લાખો યુવતિઓની આવી જ દર્દ અને પીડા ભરી સ્થિતિ છે. આ જ અફઘાનિસ્તાનમાં ગાંધી યુગમાં ખાન અબ્દુલ ગફારખાન જેવા અહિંસાવાદી નેતા હતા જેઓ ‘‘સરહદના ગાંધી’’ તરીકે ખ્યાત હતા. એ જ અફઘાનિસ્તાનમાં કાબુલીવાલા જેવા ચરિત્રો થએલા જેના વિષે રવીન્દ્રનાથ ટાગોરે વાર્તા લખેલી જેની ઉપરથી એ જ નામની ફિલ્મ બની જેમાં બલરાજ સહાનીનું મુખ્યપાત્ર હતું. આવા અફઘાનોમાં તાલિબાનો જેવા ક્રૂર રાક્ષસો ક્યાંથી થયા એ નવાઈ ઉપજાવે તેવું છે.
No comments:
Post a Comment